ગુજરાત પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ પબ્લિક ફ્રેન્ડલી રહેવા માટે સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. ત્યારે વધુ એક વાર પોલીસની દાદાગીરી સામે આવી છે. મોરબીમાં પીસીઆર વાનના ડ્રાઈવરનો રૌફ જમાવતો વીડિયો વાયરલ થયો છે. હળવદમાં રવુભા નામના 112ના ડ્રાઈવરે રૌફ જમાવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. બેકરીમાં બીલના પૈસા ઓછા કરાવવા માટે રોફ જમાવ્યો હોવાની વિગતો સામે આવી છે.
પોલીસ હેરાન કરશે કહી વેપારીને ધમકાવ્યો
મોરબીના હળવદમાં પોલીસની 112 નંબરની વાનના ડ્રાઈવરે રૌફ જમાવ્યો હોવાનો એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. રવુભા નામના પોલીસ વાનના ડ્રાઈવરે બેકરીની દુકાનમાં બીલના પૈસા ઓછા કરવા માટે દાદાગીરી કરી હતી. તેમણે બેકરીના વેપારીને એવું કહીને ધમકાવ્યો હતો કે, પૈસા ઓછા નહીં કરતો પોલીસ હેરાન કરશે. બેકરીમાં સર્જાયેલા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતાં. કાયદાના રક્ષકની દાદાગીરીથી લોકોમાં રોષ ફેલાયો છે. દુકાનદાર સામે રૌફ જમાવી રહેલી ખાખીની શરમ હવે નેવે મુકાઈ ગઈ છે.









