અમદાવાદમાં લાંબા સમય બાદ ધોધમાર વરસાદ જોવા મળ્યો. આજે વસ્ત્રાપુલ, સેટેલાઇટ, બોપલ, નારણપુરા, નવરંગપુરા,એસજી હાઇવે, ગોતા, બોડકદેવ અને ગુરુકુળ સહિતના વિસ્તારોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી પાણી છોડાયું. વાસણા બેરેજના 13 દરવાજા 4-4 ફૂટ ખોલી બેરેજમાંથી 24 હજાર ક્યૂસેક પાણી સાબરમતીમાં છોડાયું. વાસણા બેરેજમાંથી પાણી છોડાતા નદીકાંઠાના ગામને તંત્ર દ્વારા એલર્ટ કરાયા.
અમદાવાદમાં ધોધમાર વરસાદનું જોર
શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારથી શરૂ થયેલ ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા. ખાસ કરીને નીચાણ વિસ્તારોમાં આવેલ ઘરમાં રહેતા લોકોના જીવ તાળિય છે. જો વરસાદનું જોર વધશે તો ઘરમાં પાણી ઘૂસવાનો ડર છે. જ્યારે બજારની કેટલીક દુકાનોના વેપારીઓ માલ બગડવાની બીકે આજે દુકાન બંધ રાખી છે. તો કેટલાક લોકો વધુ વરસાદની સંભાવનાને પગલે દુકાનોમાંથી માલનું સ્થળાંતર કરવા લાગ્યા છે. શાળાઓએ જતા વિદ્યાર્થીઓ માટે આજે વધુ ખરાબ સ્થિતિ છે. વરસાદના કારણે પાણી ભરાતા ભારે જહેમત ઉઠાવી શાળાએ પહોંચી રહ્યા છે.
ગણેશ વિસર્જનના અંતિમ દિવસે ભારે ટ્રાફિક
શહેરમાં એકબાજુ વરસાદ બીજી બાજુ ગણેશ વિસર્જનનો આજે અંતિમદિવસ છે. તેને લઈને રસ્તાઓ પર પણ ભારે ટ્રાફિક છે. લોકો વરસતા વરસાદમાં ગણેશજીની માટીની મૂર્તિને તળાવ કે નદીમાં પધરાવવા નીકળ્યા છે. શહેરની પોલીસ પણ ગણેશ વિસર્જનને લઈ એલર્ટ છે. અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને વિસર્જનના સ્થાનો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. શહેરમાં અલગ અલગ જગ્યાએ ગણેશ વિસર્જનના કુંડ બનાવાયા છે. તમામ જગ્યાઓ પર ટ્રાફિક પોલીસ તૈનાત છે.









