અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે. શહેરના ઓઢવ વિસ્તારમાં 10 મિનિટના વરસાદમાં પણ ઠેરઠેર પાણી ભરાયા છે. ઓઢવના અંબિકાનગરમાં વરસાદી પાણી ભરાયાની સમસ્યા સામે આવી છે. પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો પરેશાન થયા છે. પાણી ભરાતા લોકો મનપા તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
તંત્ર કરી રહ્યું છે આંખ આડા કાન
સ્થાનિકોનું કહેવું છે કે જો સામાન્ય વરસાદમાં પાણી ભરાય છે તો ભારે વરસાદમાં વિસ્તારની શું સ્થિતિ થશે. અનેક અરજીઓ AMCમાં કરવામાં આવી હોવા છતાં પણ પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. રોડ તૂટેલા છે, ખાડા પડે છે અને પાણી ભરાઈ જાય છે તો પણ કોઈ કામગીરી અહીં કરવામાં આવતી નથી. પ્રજાની સમસ્યા સામે તંત્ર જાણે કે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 30 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને રાજ્યના 206 જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ છે.









