બનાસકાંઠામાં આજે સવારથી જ મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું. વરસાદે આજે બનસાકાંઠાને બાનમાં લીધું છે. વરસાદની તોફાની બેટિંગે બનાસકાંઠાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જળબંબાકાર થયા. છેલ્લા 24 કલાક દરમિયાન બનાસકાંઠાના વડગામ તાલુકામાં સૌથી વધુ 8.6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ભારે વરસાદથી જિલ્લામાં આવેલ લડબી નદી બે કાંઠે થતા કોઝવે તૂટતા વેડંચા અને ભાવિસણા વચ્ચેનો માર્ગ બંધ થયો. જ્યારે ઇકબાલગઢમાં ધોધમાર વરસાદના કારણે માર્કેટ યાર્ડમાં પાણીમાં ગરકાવ થયું.
માર્કેટયાર્ડમાં ઢીંચણસમા પાણી
ઇકબાલ ગઢના માર્કેટયાર્ડમાં ઢીંચણસમા પાણી ભરાતા વેપારીઓ દ્વારા પાણી નિકાલને લઈને તંત્રને રજૂઆત કરવામાં આવી. માર્કેટયાર્ડમાં ભારતમાલા હાઇવેનું પાણી ઘૂસી જતા વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. દર વર્ષે ચોમાસામાં આ સ્થિતિ જોવા મળે છે. જેને લઈને અનેક વખત વેપારીઓ પાણી ભરાવાની સમસ્યાને લઈને મનપાને ઉકેલ લાવવા રજૂઆત કરી છે. માર્કેટ યાર્ડમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવા અન્ય માર્ગે ડાઇવર્ટ કરવા આવે તેવી રજૂઆતો છતાં મનપા દ્વારા કોઈ નક્કર કામગીરી હાથ ધરાઈ નથી.
બનાસકાંઠામાં મેઘરાજા મહેરબાન
હાલમાં ફરી બનાસકાંઠામાં 7 ઇંચથી વધુ વરસાદમાં ઇકબાલગઢના માર્કેટ યાર્ડ સહિત વાવ તાલુકાના પ્રતાપપુરા ગામની પ્રાથમિક શાળા આગળ ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાઈ ગયા. શાળામાં પાણી ભરાતા વિધાર્થીઓ અને ગામલોકોમાં ભારે રોષ જોવા મળ્યો. જ્યારે ભારે વરસાદને પગલે ધાનેરાના જાડી ગામે ખેતરો બેટમાં ફેરવાઈ જતા ખેડૂતો ચિંતિત થયા. સુરત બાદ હવે મેઘરાજા બનાસકાંઠા પર મહેરબાન થતા જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે.









