રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે. ત્યારે ધોળકાના શાથળ ગામમાં પણ પાણી ભરાયા છે અને શાથળ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ભારે વરસાદને પગલે અને સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવતા ગામ અને ખેતરો જાણે કે બોટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગામમાં પાણી ઘુસતા જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે અને ખેડૂતો ભારે નુકસાનની ભીતિ સેવી રહ્યા છે.
ગામના રોડ, રસ્તા અને ખેતરો બધું જ પાણીમાં ગરકાવ
બીજી તરફ ધોળકાથી ખેડા તરફ જવાનો માર્ગ પણ બંધ હાલતમાં છે. સાબરમતીના પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યા છે અને મુખ્ય માર્ગ બંધ થતા વાહનચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. જ્યાં સુધી પાણી ઓસરશે નહીં ત્યાં સુધી વાહનચાલકોને ખેડા જવા માટે લાંબુ અંતર કાપવું પડશે. ઉલ્લેખનીય છે કે ધોળકા તાલુકામાં સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ગામના રોડ, રસ્તા અને ખેતરો બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મહિજડા ગામના લોકોની હાલત દયનીય બની છે. લોકોના ઘરોમાં કેડ સુધીના પાણી ફરી વળ્યાં છે અને ઘરવખરી પણ પાણીમાં તણાઈ ગઈ છે. હાલમાં ગ્રામજનો માટે રહેવા અને ખાવાનો વિકટ પ્રશ્ન છે.









