જુનાગઢ શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદ પડતા શહેરના માર્ગો પર પાણી વહેતા થયા છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ ભારે વરસાદને પગલે ઠેકઠેકાણે પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે. જો કે હજુ પણ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો
તમને જણાવી દઈએ કે જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ગિરનાર પર્વત પર બે ઈંચ વરસાદ વરસ્યો છે તો કેશોદ તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે. વંથલી, વિસાવદર, મેંદરડામાં દોઢ ઈંચ વરસાદ, માણાવદર, ભેંસાણ તાલુકામાં 1-1 ઈંચ વરસાદ અને માંગરોળ અને માળીયા હાટીનામાં અડધો ઈંચ વરસ્યો છે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હાલમા ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ પણ વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.









