કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. માંડવી, અંજાર અને ગાંધીધામમાં આ દિવસોમાં ભારે વરસાદનું જોર જોવા મળ્યું. વરસાદથી નદી નાળા છલકાયા. નખત્રાણામાં પાણીની આવક થતા તરા ડેમ ઓવરફ્લો થયો. આ ઉપરાંત જીવાદોરી સમાન ઝુરાનો કાયલા ડેમ ઓવરફ્લો થતા તંત્રએ નીચાણવાળા વિસ્તારોને સાવચેત કર્યા. નદીપટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી.
વરસાદથી લોકોને હાલાકી
શહેરના અનેક વિસ્તારોમા પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થતા નાના ભાડિયાથી માંડવીને જોડતો રસ્તો બંધ થયો. વરસાદી નાળાની સફાઇ પાછળ લાખોનો ખર્ચ છતા સામાન્ય વરસાદ પડતા જ મોટાભાગના વિસ્તારોમાં કેમ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે તેને લઈને સ્થાનિકો સવાલ કરી રહ્યા છે. વરસાદી પાણી ભરાવાના કારણે ઓફિસ જનારા અને શાળાએ જતા બાળકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક સ્કૂલ રીક્ષા વરસાદી પાણીમાં ફસાઈ ગઈ. પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી.
કચ્છમાં સર્વત્ર વરસાદ
કચ્છમાં સર્વત્ર વરસાદ અને જનતા ત્રસ્ત. જિલ્લામાં ભારે વરસાદના કારણે વિસ્તારોમાં પાણી ભરાવાથી શહેરીજનો પરેશાન થયા. પોતાના રોજિંદા કાર્યો પૂરા કરવા ભારે જહેમત બાદ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. ગાંધીધામમાં 2 કલાકમાં 2 ઇંચ અને અંજારમાં પણ એક ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદ ખાબકતા શહેરના અનેક માર્ગો પર પાણી ભરાયા. સવારના 8 થી 10ની વચ્ચે વરસાદની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ભારે વરસાદથી ભુજમાં વરસાદી પાણી ભરાયા. જયારે સુખપર નજીક રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો.









