મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. કપાસ, મગફળી તેમજ શેરડી સાથે બાગાયતી પાકોમાં દાડમ સહિતના પાકોમાં નુકસાન જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. મોરબીના વાંકાનેર, ટંકારા, માળીયા અને હળવદમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે ખેડૂતોના ઉભા પાકમાં પાણી ભરાયા છે. ખેડૂતોએ રાજ્ય સરકાર પાસે મદદની આસ લગાવી છે.
મોરબી જિલ્લામાં જળાશયોમાં પાણીની આવક
બીજી તરફ મોરબી જિલ્લામાં જળાશયોમાં પાણીની આવક મોટા પ્રમાણમાં થઈ છે. મોરબી જિલ્લાના 10 ડેમમાં પાણીની આવક થઈ છે. જેમાં મચ્છુ-1, મચ્છુ -3 ડેમ 100 ટકા ભરાયો છે તો બ્રાહ્મણી 2 અને ઘોડાધ્રોઈ ડેમ પણ 100 ટકા ભરાયો છે. જ્યારે મોરબીનો મચ્છુ 2 ડેમ 70 ટકા ભરાયો છે. જિલ્લાની કુલ 10,130 mcftની ક્ષમતા સામે 8,509 mcft પાણીનો સંગ્રહ થયો છે. ત્યારે તકેદારીના ભાગરૂપે જિલ્લામાં લોકોને નદી કાંઠેથી દૂર રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જ્યારે મોરબીના હળવદમાં ઘોડાધ્રોઈ નદી બે કાંઠે થઈ છે. વાકીયા ગામે ઘોડાધ્રોઈ નદીમાં જળસપાટી વધી છે. નદી બે કાંઠે થતાં ખેડૂતોને અવરજવર કરવા માટે હાલાકી પડી રહી છે. પાણીમાંથી જોખમી રીતે પસાર થવા ખેત શ્રમિકો મજબૂર બન્યા છે.









