મોરબીમાં પઠાણી ઉઘરાણીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ફરિયાદી દ્વારા મૂળ રકમ કરતાં અનેકગણી રકમ ચૂકવ્યા છતાં હેરાનગતિ થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ફરિયાદી સુરેશભાઈ ભાડજાએ રમેશ ભાલોડીયા અને અશ્વિન ભાલોડીયા સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ વર્ષ 2023માં ધંધા માટે નાણાંની જરૂરિયાત ઉભી થતાં સુરેશભાઈએ આરોપીઓ પાસેથી 11 લાખ રૂપિયા મહિને 5 ટકા વ્યાજે લીધા હતા.
ગંભીર પરિણામો ભોગવવાની ધમકીઓ આપવામાં આવી
સમય જતાં વ્યાજનો બોજ વધતો ગયો અને ફરિયાદી દ્વારા આરોપીઓને તબક્કાવાર કુલ 2.43 કરોડ રૂપિયા સુધીની રકમ ચુકવવામાં આવી હોવાનું જણાવાયું છે. તેમ છતાં આરોપીઓ દ્વારા વધુ રકમની માગણી કરવામાં આવી રહી હતી અને ચુકવણી ન કરતાં ફરિયાદીને ઘરબાર વગરના કરી દેવાની તેમજ ગંભીર પરિણામો ભોગવવાની ધમકીઓ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. આ બનાવથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ગેરકાયદેસર ઉઘરાણીના વધતા પ્રકરણો અંગે ફરી એકવાર ચિંતાઓ ઉભી કરી છે.









