માળીયા મીયાણા તાલુકાના 17 ગામમાંથી પસાર થતી ડેડિકેટેડ 765 કેવી કચ્છથી જામનગર પસાર થઈ રહી છે, જેમાં ખેડૂતો વીજ પોલના યોગ્ય વળતરની માગણી સાથે મોરબી જિલ્લા કલેક્ટર ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં ખેડૂતોએ માગ સંતોષવા નહીં આવે તો મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી.
ખેતીલાયક જમીન ઓછી થશે
ખાખરેચી, નાનાભેલા, મોટાભેલા સહિત 17 ગામના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી, જેમાં ખેડૂતોએ રજૂઆત કરી હતી કે આ વીજ લાઈન નીકળવાથી ખેડૂતોને મોટુ નુકસાન જશે, જેમાં ખેતીલાયક જમીન ઓછી થશે, બજાર કિંમતમાં 50% ઘટાડો થશે, ફળદ્રુપતામાં ઘટાડો થશે, વીજ કરંટ લાગવાનો ભય અને જમીન બિનખેતી ન થઈ શકે, જેથી તમામ ખેડૂતોને આર્થિક નુકસાન છે.
વીજપોલનું માસિક ભાડું નક્કી કરવામાં આવે
ખેડૂતોની માગણી છે કે કેન્દ્ર સરકારના પાવર વિભાગની માર્ગદર્શિકા ધ્યાનમાં લેવામાં આવે, દેશના અન્ય રાજ્યોમાં ચુકવવામાં આવતો વળતરનો અભ્યાસ કરી વળતર ચૂકવવામાં આવે, ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન, સમજણ, સલાહ, પ્લાન, નકશા, નોટિસ વગેરે આપવામાં આવે, મનસ્વી રીતે એક તરફી માહોલ બનાવી કામગીરી કરવામાં ન આવે, પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે છે અને તેને લઈને ખેડૂતોને ડરાવવાનો પણ ભય રહેલો છે, વીજપોલનું માસિક ભાડું નક્કી કરવામાં આવે, સહિતની અલગ અલગ માગણીઓ સાથે આજે રજૂઆત કરવામાં આવી હતી.









