મોરબી જિલ્લામાં 3 દિવસથી વરસી રહેલા કમોસમી ઝરમર વરસાદથી ખેડૂતોના તૈયાર થયેલા કપાસ, મગફળી સહિતના પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે હળવદના વાંકીયા ગામના ખેડૂતોએ મગફળીનું બેસણું રાખીને વ્યથા ઠાલવી હતી અને સતત વધી રહેલા ખેડ, ખાતર, દવા, બિયારણ, મજુરી સહિતના ખર્ચ સામે આવક અને ઉત્પાદન ઘટી રહ્યું છે, તેવી ફરિયાદ કરી હતી.
અનેક તાલુકાઓમાં છેલ્લા 3 દિવસથી ઝરમર વરસાદ
મોરબી જિલ્લામાં હળવદ, ટંકારા, વાંકાનેર, માળીયા અને મોરબી સહિતના તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું તેમજ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જેથી કરીને ખેડૂતો તૈયાર થયેલો કપાસ, મગફળી સહિતનો પાકનો નિકાલ કરી શકતા નથી અને જેથી કરીને નુકસાની વેઠવી પડી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સર્વેની જાહેરાત તો કરવામાં આવી છે. પરંતુ ગત વખતે થયેલા સર્વેમાં ભેદભાવ થયો હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો હતો, જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો સર્વે થયો હતો અને નુકસાની સહાય કરવામાં આવી હતી. પરંતુ હળવદ તાલુકાને બાકાત રખાયા હોવાનું ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો. મોરબી જિલ્લામાં વરસાદની વાત કરીએ તો સરકારી ચોપડે માત્ર મોરબી જિલ્લામાં 51, માળીયામાં 9, ટંકારામાં 31, વાંકાનેર અને હળવદમાં 12 એમએમ વરસાદ નોંધાયો છે. જોકે સતત ઝરમર વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.









