હળવદમાં ટેકાના ભાવે મગફળી વેચનાર ખેડૂતોને બે મહિના જેટલો સમય વીતી ગયો છતાં પેમેન્ટ નહીં મળતા ઉનાળું વાવેતર અટવાયું છે. વાકીયા ગામના ખેડૂતો સંદેશ ન્યુઝ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. હળવદ તાલુકાના 9,300થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું, જેમાંથી આશરે 6,664 ખેડૂતોએ મગફળી વેચાણ કરી હોવા છતાં 251 ખેડૂતોના રૂપિયા અટવાયા છે.
પેમેન્ટ નહીં મળતા ઉનાળું વાવેતર અટવાયું
હળવદમાં કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી સહિતના પાકોની ખરીદી શરૂ કરી હતી. ખેડૂતોને આશા હતી કે વેચાણ બાદ સમયસર પેમેન્ટ મળશે અને ઉનાળું વાવેતર કરી શકાશે, પરંતુ બે મહિના વીતી ગયા છતાં અનેક ખેડૂતોના ખાતામાં રકમ જમા ન થતાં ચિંતાનો માહોલ છે. ખાસ કરીને વાકીયા ગામના આશરે 251 જેટલા ખેડૂતો પેમેન્ટ માટે ચક્કર કાપી રહ્યા છે.
હળવદમાં કૂલ 9,300 ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી હતી, તેમાંથી 6,664 જેટલા ખેડૂતોએ મગફળી વેચાણ કર્યું હતું. સરકારે 125 મણ મગફળીની ખરીદી કરી ટેકાના ભાવે ખરીદી કરી છે, પરંતુ પેમેન્ટ પ્રક્રિયામાં ટેકનિકલ અડચણો સામે આવી રહી છે.









