પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા મહીસાગર નદી કિનારાના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કડાણા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા મહીસાગર નદી બે કાંઠે વહેવા લાગી છે અને તેના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. જેના કારણે 300 એકરથી વધુ જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. આ કુદરતી આફતથી ખેડૂતોને પાકમાં વ્યાપક નુકસાન થયું છે અને તેઓ લાચાર બન્યા છે.
મહીસાગર નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા
શહેરા તાલુકાના જુના બીલીથા, બાકરીયા, ખરોલી, બોરડી અને સાદરા ગામોના ખેડૂતો સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ ખેડૂતોએ પોતાના ખેતરોમાં મકાઈ, ડાંગર, શાકભાજી અને તમાકુ જેવા પાકોનું વાવેતર કર્યું હતું. જે હવે પાણીમાં ડૂબી ગયા છે. કેટલાક ખેતરોમાં તો પાંચ ફૂટથી પણ વધુ પાણી ભરાઈ ગયું છે. જેનાથી પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. ખેડૂતોના ચહેરા પરની રોનક છીનવાઈ ગઈ છે. કારણ કે આ પાક જ તેમની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત હતો. આ ઘટના સમયે કેટલાક ખેડૂતો ખેતરોમાં કામ કરી રહ્યા હતા.
ખેતીને વ્યાપક નુકસાનથી જગતનો તાત ચિંતામાં મુકાયો
અચાનક પાણીનો પ્રવાહ આવતા તેઓ ગભરાઈ ગયા અને પોતાના જીવ બચાવવા માટે ખેતરોમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. ભારે વરસાદ અને ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે થયેલા આ નુકસાનથી ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. ખેતીના પાક ઉપરાંત ખેતરોમાં રહેલો ઘાસચારો અને અન્ય પાક પણ નષ્ટ થયો છે. જેનાથી પશુપાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ ગંભીર નુકસાનને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સહાય અને વળતરની માંગ કરી છે.









