[[$googlead]]
સમગ્ર પંચમહાલ જિલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું છે. ત્યારે હાલોલ અને કાલોલમં ગત સાંજે ભારે વરસાદ વરસ્યો છે અને હાલમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો હોવાના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે. યાત્રાધામ પાવાગઢમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગત સાંજે પડેલા વરસાદમાં પગથિયાં પરથી વહેતા થયેલા પાણીનો અદભુત નજારો જોવા મળ્યો હતો અને હાલમાં વાદળોની વચ્ચે પાવાગઢ ડુંગર ઘેરાયેલો છે. પ્રકૃતિ અને આધ્યાત્મનો સમન્વય યાત્રાધામ પાવાગઢ પર જોવા મળી રહ્યો છે.
વરસાદને પગલે ધુમ્મસ ભર્યુ વાતાવરણ
તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા પણ પંચમહાલના હાલોલ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 2 કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ તાલુકામાં નોંધાયો હતો. ત્યારે ભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોવાની સમસ્યા પણ સામે આવી હતી. પાવાગઢ પર વરસાદ પડતા વાતાવરણ અદભુત બન્યું હતું અને સતત વરસાદને પગલે ધુમ્મસ ભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે પાવાગઢમાં દર્શન કરવા માટે આવેલા યાત્રિકોએ આનંદ માણ્યો હતો.









