પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં અવારનવાર રાત્રિના સમયે સ્ટાફની ગેરહાજરી અને મેડિકલ સ્ટાફ સુઈ જતો હોય તેવી ફરિયાદો થઈ હતી, જેને લઈને રાત્રિના સમયે રિયાલિટી ચેક કરતા ફિમેલ વોર્ડમાં નર્સિંગ સ્ટાફ, જનરલ ઓપીડીમાં પણ હોસ્પિટલ નો સ્ટાફ ડોકટરના ટેબલને બેડ બનાવી સૂતો જોવા મળ્યો. જેને લઈને મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ગૌરવ ભંભાણી દ્વારા સ્વીકારવામાં પણ આવ્યું છે કે અમુક ડોક્ટર રાત્રિના સમયે ગેરહાજર રહે છે અને રાત્રિના સમયે સૂતા હોય એ સ્ટાફને માત્ર ચેતવણી જ આપવામાં આવી છે.
હોસ્પિટલના તંત્ર દ્વારા મોનિટરિંગ કરવામાં આવતું નથી
સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં 108 CCTV કેમેરા હોવા છતાં મેડિકલ સ્ટાફ રાત્રિના સમયે કુંભકરણની નિંદ્રામાં સુવે છે છતાં પણ હોસ્પિટલના તંત્ર દ્વારા મોનિટરિંગ કરવામાં આવતું નથી. પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં અવારનવાર સ્થાનિક આગેવાનો દ્વારા પણ ડોક્ટરની ગેરહાજરી રાત્રિના સમયે મેડિકલ સ્ટાફ સૂતો હોય તેવી ફરિયાદો કરવામાં આવી હતી, જેને લઈને આ બાબતે તપાસની માગ કરવામાં આવી છે.









