રાજકોટમાં ભેળસેળિયા વેપારીઓ સામે તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે. શહેરમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ રોકવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે. સમગ્ર મામલે મેયર નેહલ શુક્લે જણાવ્યું કે ભેળસેળ કરનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને સ્થળ પર જ દંડ તેમજ જરૂરી હોય ત્યાં સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાશે. મેયરે જણાવ્યું કે ભેળસેળના દૂષણને નાથવા માટે 8 વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં સતત ચેકિંગ કરશે.
શહેરમાં પોતાની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપિત કરવામાં આવશે
તેમણે વધુમાં કહ્યું કે આગામી એક વર્ષ સુધી દરરોજ ડ્રાઈવ ચલાવીને ભેળસેળિયા તત્વો પર તવાઈ બોલાવવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે પણ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું કે શહેરમાં પોતાની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપિત કરવામાં આવશે, જેથી ખાદ્ય નમૂનાઓની ઝડપી તપાસ થઈ શકે. તંત્ર દ્વારા ત્રણ અલગ-અલગ કેટેગરીમાં વિશેષ ડ્રાઇવ યોજાશે. આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત ખાદ્યપદાર્થો ઉપલબ્ધ કરાવવાનો તેમજ ભેળસેળ કરનારાઓ સામે કડક સંદેશ આપવાનો છે.









