રાજકોટમાં પાંચમ, છઠ્ઠ, સાતમ અને જન્માષ્ટમી સહિતના તહેવારો બાદ શહેરમાં રોગચાળો મોટી માત્રામાં વર્ક્યો છે. શહેરમાં તાવ, શરદી, ઉધરસના દર્દીઓમાં મોટો વધારો થયો છે. રાજકોટ સિવિલમાં એક સપ્તાહમાં તાવ, શરદી, ઉધરસ અને સિઝનલ બીમારીના 1,364 કેસ નોંધાયા છે. જ્યારે વરસાદી વાતાવરણને પગલે મેલેરીયા, ડેન્ગ્યુના 1-1 કેસ, જ્યારે કમળાના 5 કેસ નોંધાયા છે. ત્યારે શહેરમાં રોગચાળો વકરતા RMC તંત્ર એક્શનમાં આવ્યું છે. મનપા દ્વારા મચ્છર ઉત્પતિ માટે હોટેલ, ભંગારના ડેલા, પાર્ટી પ્લોટ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિતના સ્થળે તપાસ શરૂ કરવામાં આવી છે. 242 રહેણાંક તેમજ 221 કોમર્શિયલ સ્થળોને નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે.
5 દિવસમાં 700 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો
બીજી તરફ રાજકોટના લોકમેળામાં 5 દિવસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. 5 દિવસ દરમિયાન 700 કિલો કરતાં વધારે અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે. બટેટા, બરફ, ચટણી સહિત વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે. વાસી ઢોકળા, ખીરું અને ખીચાનો નાશ કરવામાં આવ્યો છે. કલરયુક્ત ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે. લોકમેળામાં ખાણીપીણીના 40 જેટલા વેપારીઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે.









