રાજકોટ શહેરમાં રોડની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. શહેરના ખોડિયારનગર વિસ્તારના રહેવાસીઓએ માર્ગની ખરાબ હાલત સામે વિરોધ નોંધાવતા રસ્તા પર ઉતરી પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ લાંબા સમયથી રોડની સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.


[[$googlead]]

રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળી

આક્રોશથી ભરાયેલા સ્થાનિકોએ 150 ફૂટ રિંગ રોડ પર એકત્ર થઈ ચક્કાજામ કર્યો. જેના કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર પર અસર પડી હતી અને રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને વડીલો પણ જોડાયા હતા. સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમાં રોડ ખૂબ જ ખરાબ હાલતમાં છે, જેના કારણે રોજિંદી અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને વરસાદી દિવસોમાં રસ્તા પર પાણી ભરાઈ જતા હાલાકી વધુ વધી જાય છે. અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ વિરોધનો માર્ગ અપનાવ્યો હતો.

તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા

પ્રદર્શન દરમિયાન લોકોએ તંત્ર વિરુદ્ધ નારા લગાવ્યા અને તાત્કાલિક રસ્તાની મરામત કરવાની માગ કરી. સ્થાનિકોએ ચેતવણી આપી કે જો વહેલી તકે રોડની સમસ્યા હલ કરવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરશે. ઘટનાની જાણ થતાં તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થાનિકોને સમજાવી પરિસ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.

[[$alsoread]]


  • Follow us on: