રાજકોટમાં લીંબુના ભાવમાં અચાનક જ ભારે ઉછાળો જોવા મળ્યો છે, જેને કારણે ગૃહિણીઓ અને વેપારીઓ બંને ચિંતિત બન્યા છે. બજારમાં અગાઉ 200થી 300 રૂપિયા પ્રતિ મણ મળતા લીંબુનો ભાવ હવે વધીને 800થી 900 રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચી ગયો છે. એટલે કે માત્ર થોડા સમયમાં જ ભાવમાં લગભગ ત્રણ ગણો વધારો નોંધાયો છે.
શું છે ભાવવધારાના મુખ્ય કારણો?
રીટેલ બજારમાં પણ તેનો સીધો પ્રભાવ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલાં 30 રૂપિયે પ્રતિ કિલો મળતા લીંબુ હવે 80 રૂપિયે પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર આવકમાં ઘટાડો, વધતી ગરમી અને માગમાં વધારો ભાવ વધારાના મુખ્ય કારણો છે. ગરમી વધશે તેમ લીંબુની માગ વધુ વધવાની શક્યતા છે, જેના કારણે આવનારા દિવસોમાં ભાવ 200થી 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સામાન્ય નાગરિકોના બજેટ પર આ વધારો ભારે પડી રહ્યો છે. હાલ ગ્રાહકો ઓછા પ્રમાણમાં ખરીદી કરીને ખર્ચ સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે.









