રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા સેંકડો પરિવારો આજે ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે. આ લડાઈ વિકાસની સામે નથી પણ પોતાના અસ્તિત્વ અને આશરાને બચાવવા માટેની છે. ટીપી સ્કીમ અંતર્ગત દબાણ હટાવવાની હિલચાલ વચ્ચે કલેક્ટર તંત્ર દ્વારા રહીશોને ત્રીજી વખત નોટિસ ફટકારવામાં આવતા સ્થાનિકોમાં રોષ અને ડર જોવા મળી રહ્યો છે.
સ્થાનિકો હાથમાં પુરાવા લઈને લાઈનમાં ઉભા રહ્યા
રાજકોટના પૂર્વ વિસ્તારની કલેક્ટર કચેરીએ લોકો કતારો લગાવી ઊભા છે. ઘર બચાવવા માટે જંગલેશ્વરના રહીશો હાથમાં પુરાવા લઈને લાઈનમાં ઉભા છે. આ એ લોકો છે જે છેલ્લા 30થી 40 વર્ષથી ત્યાં વસવાટ કરે છે. લોકો એક કે બે વાર નહીં પણ ત્રીજી વખત પોતાના રહેઠાણના પુરાવા રજૂ કરવા આવ્યા છે. સવાલ એ થાય છે કે શું તંત્ર પાસે અગાઉ આપેલા પુરાવાનું કોઈ રેકોર્ડ નથી? કે પછી આ માત્ર હેરાનગતિ છે? રહીશોનું કહેવું છે કે જ્યારે જગદીશન રાજકોટના કલેક્ટર હતા, ત્યારે પણ આ બાબતે નોટિફિકેશન બહાર પડ્યું હતું.
જંત્રી થતી હોય તે અમારી પાસે લો
દાયકાઓથી આ લોકો અહીં પાકા મકાનો બનાવીને રહે છે, વેરા ભરે છે અને વીજળીના બિલ પણ ભરે છે. સ્થાનિકો કહી રહ્યા છે કે સાહેબ બે વાર તો કાગળિયા આપી દીધા, હવે ત્રીજી વાર કેમ માગો છે? અમે ક્યાં જઈએ? અમારા છોકરાઓ અહીં મોટા થયા, હવે આ ઉંમરે ઘર ખોવાનો વારો આવ્યો છે. સરકારને વિનંતી છે કે અમને અહીં જ રહેવા દે અને જે જંત્રી થતી હોય તે અમારી પાસે લે."









