રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં પ્રી-મોન્સૂન વ્યવસ્થાની પોલ ખુલી પડી છે. માત્ર એક ઈંચ જેટલા સામાન્ય વરસાદ બાદ જ સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. ખાસ કરીને રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાઈવે બ્રિજ નીચે આવેલા સર્વિસ રોડ પર પણ પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.
તાત્કાલિક કાયમી ઉકેલ લાવવાની માગ
સ્થાનિક લોકો અને ઉદ્યોગકારોએ નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI)ની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. ટોલટેક્સ વસૂલવા છતાં મૂળભૂત સુવિધાઓ પૂરતી ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં હજારો કારખાનેદારો અને કામદારો રોજ અવરજવર કરે છે, પરંતુ પાણી ભરાવાના કારણે તેમનું આવાગમન મુશ્કેલ બની ગયું છે. સ્થાનિકોનું કહેવું છે કે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે. લોકો દ્વારા તાત્કાલિક કાયમી ઉકેલ લાવવાની માગ કરવામાં આવી રહી છે.









