રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક મતદાર યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં શહેરના 1થી 18 વોર્ડમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. અગાઉ કુલ મતદારોની સંખ્યા 10.93 લાખ હતી, જે હવે ઘટીને 9.85 લાખ થઈ ગઈ છે. એટલે કે શહેરમાં એક લાખથી વધુ મતદારોનો ઘટાડો નોંધાયો છે. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ યાદીમાં સુધારા-વધારા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કોઈપણ નાગરિક જો પોતાની વિગતોમાં ભૂલ, નામ ગાયબ હોવું કે અન્ય કોઈ સુધારો ઈચ્છે તો પુરાવા સાથે અરજી કરી શકે છે.
વધતા બૂથોથી મતદારોને વધુ સરળતા અને ઓછી ભીડનો લાભ મળશે
અધિકારીઓએ લોકોને સમયસર સંપર્ક કરવા અપીલ કરી છે, જેથી અંતિમ યાદીમાં યોગ્ય ફેરફાર કરી શકાય. બીજી તરફ, મતદાન વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે બૂથોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ શહેરમાં 991 બૂથ હતા, જે હવે વધીને 1,016 થયા છે. વધતા બૂથોથી મતદારોને વધુ સરળતા અને ઓછી ભીડનો લાભ મળશે. ચૂંટણી તંત્રના અધિકારીઓ મુજબ મતદાર યાદીનું આ પ્રાથમિક સ્વરૂપ છે અને અંતિમ યાદી પહેલા જરૂરી સુધારા બાદ નવી યાદી જાહેર કરવામાં આવશે. શહેરના નાગરિકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ સમયસર ચકાસણી કરીને પોતાના મતાધિકારની ખાતરી કરી લે.









