રાજકોટ ટ્રાફિક પોલીસ પર હપ્તાખોરીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજકોટ ટ્રાફિક શાખાની હપ્તા ખોરીથી 35 ગામના લોકો પરેશાન થઈ રહ્યા છે. અલગ અલગ ગામના સરપંચ રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે આ અંગે રજૂઆત કરવા પહોંચ્યા છે. આજી ડેમ ચોકડીથી હલેન્ડા ગામ સુધી લોકો ટ્રાફિક શાખાની હપ્તા ખોરીથી પરેશાન થઈ ચૂક્યા છે.
ગ્રામજનો રોડ પર આવે એટલે પોલીસ પહોંચી જાય છે
ગ્રામજનોનું કહેવું છે કે ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમન કરાવવાને બદલે હપ્તા જ ઉઘરાવે છે. ગ્રામજનો જેવા ગામની બહાર નીકળે તે સાથે ટ્રાફિક પોલીસ ઉઘરાણી કરવા ઊભી જ હોય છે. ગામમાંથી નીકળતા બાઈક ચાલકોને જ ટ્રાફિક પોલીસ પરેશાન કરે છે. ખનિજ માફિયાઓની ગાડી ટ્રાફિક શાખાને દેખાતી નથી. અમને પણ ખનિજ માફિયાઓના ડમ્પર ચાલકોની જેમ ચકલા પોપટની ચિઠ્ઠી આપી દો. અમે પણ ડમ્પર ચાલકોની જેમ ટ્રાફિક શાખાને હપ્તો આપવા તૈયાર છીએ.









