અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાઈ છે. વહેલી સવારથી જ ભગવાનની ભક્તિમાં ભક્તોની જનમેદની ઉમટી છે. અષાઢી બીજના રોજ ભગવાન ભક્તોના હાલચાલ પૂછવા આજે નગરયાત્રાએ નીકળ્યા છે. અખાડા, ટ્રકો, ભજન મંડળીઓ અને ગજરાજો ભગવાનની રથયાત્રામાં જોડાયા છે. ઠેર ઠેર ભગવાનની રથયાત્રાનું સ્વાગત થઈ રહ્યું છે. શહેરમાં અનેક ઠેકાણે કોમી એકતાના દર્શન થયાં છે. રથયાત્રાને લઈને લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ સંગીતના સુર રેલાવ્યા હતાં.
મોસાળ સરસપુરમાં રથયાત્રાનું સ્વાગત
અમદાવાદના જગન્નાથ મંદિરથી પ્રસ્થાન થયેલી રથયાત્રાનું ભગવાનના મોસાળ સરસપુરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં ભક્તો માટે સૌથી મોટું રસોડું પણ શરૂ કરાયું હતું. ભગવાનનું સ્થાનિકોએ મામેરૂ ભર્યું હતું. ભગવાનના રથ પર જળાભિષેક કરાયો હતો અને ભગવાનને ભોગ પણ ધરાવાયો હતો. ત્યાર બાદ ભગવાન મોસાળથી નીકળીને નિજ મંદિર તરફ પ્રયાણ કર્યું હતું. આ દરમિયાન અખાડાના કરતબો અને ભજન મંડળીના ભજનોથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ભગવાનના દર્શન માટે હજારોની જનમેદની રોડ પર જોવા મળી હતી.









