સાબરકાંઠામાં એક ખાનગી ન્યુઝ પેપરના પત્રકાર (આરટીઆઈ એક્ટિવિસ્ટ) લાંચ લેતા ઝડપાયો છે. પત્રકારની સાથે તેની પત્નીને પણ એસીબીએ લાંચ લેતા ઝડપી પાડી છે. પત્રકાર કેતન પટેલ અને તેની પત્ની મીના પટેલને ACBએ લાંચ લેતા ઝડપી પાડયા છે. આ બંનેએ રૂપિયા 5 લાખની લાંચ માગી હતી અને અંતે 4 લાખની લાંચ કથપૂર ટોલનાકા પાસે સ્વીકારી હતી, ત્યારે એસીબીએ બંનેને લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યા છે. એસીબીમાં કરેલી અરજીનો નિકાલ કરી આપવાના બહાને લાંચની રકમ માગી હતી.
દસ્ક્રોઇ મામલતદાર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ દસ્ક્રોઈ મામલતદાર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો હતો. કોમ્પ્યુટર ઓપરેટર પરાગ બારોટ લાંચ લેતા ઝડપાયો હતો. જમીનની નોંધ પ્રમાણિત કરવા માટે કોમ્પ્યુટર ઓપરેટરે રૂપિયા 15,000 માગ્યા હતા. અમદાવાદ ACBએ કર્મચારીને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો હતો. દસ્ક્રોઈ તાલુકાના મોજે ગામ ઉંદરેલની સીમમાં આવેલી જમીનમાં તેમના ભાઈની હક્ક કમી કરવાની નોંધ પાડવા માટ દસ્ક્રોઈ મામલતદાર કચેરી ખાતે અરજી કરેલી અને તે કામે હક્ક કમીની કાચી નોંધ પડેલી હોય, જે નોંધ પ્રમાણિત કરાવવાના કામે ફરિયાદી તથા તેમના મિત્ર દસ્ક્રોઈ મામલતદાર કચેરી ખાતે ગયેલા, જ્યાં નોંધોની કામગીરી કરતાં મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર આરોપી પરાગ બારોટે ફરિયાદી પાસે નોંધ પ્રમાણિત કરવા લાંચની માગણી કરી હતી.









