સુરત એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડિંગ દરમિયાન સુરક્ષા સંબંધિત ગંભીર ઘટના સામે આવી છે. ઈન્ડિગોની એક ફ્લાઇટ લેન્ડિંગ માટે રનવે તરફ આગળ વધી રહી હતી, ત્યારે અજાણ્યા વ્યક્તિ દ્વારા કોકપિટ તરફ લેઝર લાઈટ ફેંકવામાં આવી હતી. લેન્ડિંગની અત્યંત સંવેદનશીલ ક્ષણે પાયલટની આંખો સામે લેઝર લાઈટ આવતા તેમણે તરત જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
જવાબદાર વ્યક્તિની શોધખોળ શરૂ
ઘટનાની માહિતી મળતાં જ એરપોર્ટ ઓથોરિટી, CISF અને સ્થાનિક પોલીસ એક્શન મોડમાં આવી ગયા હતા. લેઝર લાઈટ ક્યાંથી ફેંકવામાં આવી હતી તે સ્થળને ટ્રેસ કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમજ CCTV ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. સત્તાવાળાઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈને જવાબદાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે લેન્ડિંગ અથવા ટેકઓફ દરમિયાન પાયલટ પર લેઝર લાઇટ ફેંકવી હવાઈ સુરક્ષા માટે ગંભીર જોખમ માનવામાં આવે છે અને તેના કારણે અકસ્માતની શક્યતા પણ વધી શકે છે.









