સુરત જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના બનાવો સામે આવ્યા છે. કીમ ગામ સ્થિત મહાદેવ મંદિરમાં પ્રથમ જ વરસાદમાં વરસાદી પાણી ઘૂસી જતા મંદિર પરિસર જળબંબાકાર બની ગયું હતું. પાણીનું સ્તર એટલું વધી ગયું કે મંદિરનું શિવલિંગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું. મંદિર પરિસરમાં પાણી ભરાઈ જતા સવારે દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા
કેટલાક ભક્તોએ પાણીમાંથી પસાર થઈને દર્શન કર્યા, જ્યારે ઘણા લોકોને પરિસ્થિતિને કારણે પરત ફરવું પડ્યું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે દર વર્ષે વરસાદ દરમિયાન અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. પ્રથમ જ વરસાદમાં મંદિરની આવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. હવે વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે અસરકારક વ્યવસ્થા કરવાની માગ ઉઠી રહી છે.









