સુરત મહાનગરપાલિકાએ શહેરમાં ગેરકાયદે જાહેરાતો અને હોર્ડિંગ્સ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. પાલિકા કમિશનરની સૂચના બાદ વિવિધ વિસ્તારોમાં વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના અંતર્ગત ગેરકાયદે રીતે લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ અને બેનરો દૂર કરવામાં આવ્યા છે. પાલિકાના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 6,000થી વધુ ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવી કબ્જે લેવામાં આવ્યા છે. આ ઉપરાંત નિયમોનો ભંગ કરનાર 24 લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન 21,717 ચોરસ મીટર જેટલા વિસ્તારને ગેરકાયદે જાહેરાતોથી મુક્ત કરવામાં આવ્યો છે.
51,000થી વધુની પેનલટી વસૂલવામાં આવી
અભિયાન દરમિયાન પાલિકાએ દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરી છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી અત્યાર સુધીમાં 51,000થી વધુની પેનલટી વસૂલવામાં આવી છે. પાલિકા અધિકારીઓનું કહેવું છે કે શહેરના જાહેર માર્ગો, ફૂટપાથ અને અન્ય સ્થળોએ મંજૂરી વગર લગાવવામાં આવતી જાહેરાતો ટ્રાફિક અને શહેરી સૌંદર્ય માટે અવરોધરૂપ બને છે. સુરત મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં પણ ગેરકાયદે હોર્ડિંગ્સ અને જાહેરાતો સામે આ પ્રકારની ઝુંબેશ ચાલુ રહેશે. નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને શહેરને સ્વચ્છ તેમજ વ્યવસ્થિત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવશે.









