સુરત શહેરમાં હત્યાની વધુ એક ઘટના બની છે. શહેરના અમરોલી વિસ્તારના કોસાડ આવાસમાં હત્યાની ઘટના બની છે. 30 વર્ષીય મોહમ્મદ ફરીદ નામના યુવકની હત્યા કરવામાં આવી છે. મૃતક ફરીદની સાળીના નાના છોકરાઓનો ઝઘડો થયો હતો અને આ બાબતે સામે પક્ષને સમજવા ગયા હતા, જ્યાં ઝઘડો થયો હતો અને ઝઘડાને શાંત કરવા મૃતકના પિતા જતા બંને ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં ફરીદ અને તેમના પિતા મોહમ્મદ અજીદ બોમ્બાવાલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો
આ બંને લોકોને સારવાર માટે તાત્કાલિક સ્વીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જો કે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે મોહમ્મદ ફરીદને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો, ત્યારે પિતા મોહમ્મદ અજીદ બોમ્બાવાલા સારવાર હેઠળ છે. મોલના આઝાદ, સદ્દામ, સિરાજ અને મુસ્તકી નામના ઈસમોએ હુમલો કર્યો હતો. જેઓ કોસાડ આવાસમાં જ રહે છે, હાલમાં આ સમગ્ર મામલે અમરોલી પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









