સુરત શહેરમાં હજુ પણ ખાડા રાજ યથાવત જોવા મળી રહ્યું છે. સહારા દરવાજાથી દિલ્હી ગેટ જતો રસ્તો ખુબ જ બિસમાર હાલતમાં જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ ડિસ્કો રોડ બની જતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખરાબ રોડ રસ્તાને રીપેર નહીં કરવામાં આવતા મનપા પર લોકો રોષ ઠાલવતા જોવા મળી રહ્યા છે.
ખાડાના કારણે થાય છે ટ્રાફિકજામ અને અકસ્માત
તમને જણાવી દઈએ કે રોડ ઉપરના ખાડાના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાય છે અને ઘણી વખત લોકો અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે. બીજી તરફ રસ્તા ઉપરના ખાડામાં વાહન પટકાવવાના કારણે અનેક લોકોના વાહનો બગડી જાય છે અને નુકસાન પહોંચે છે. ત્યારે ખાડાના કારણે અકસ્માતમાં લોકોના મોત પણ નીપજ્યા છે, તેમ છતાં સુરત મનપાનું આળસુ તંત્ર ખાડા રીપેર કરી રહ્યું નથી અને પરિસ્થિતિ જૈસૈ થૈની જ છે. હાલમાં સુરતના નાગરિકો માગ કરી રહ્યા છે કે મહાનગરપાલિકા શહેરમાં તાત્કાલિક રોડ રસ્તાઓ રિપેર કરવા માટેની કામગીરી કરે.









