નેશનલ હાઈવે 48 પર કામરેજના ખોલવડ ગામ નજીક તાપી નદી પર બનાવવામાં આવેલા બ્રિજ પર એક્સપાન્શન જોઈન્ટ છેલ્લા દોઢ વર્ષથી ક્ષતિગ્રસ્ત થયો હતો, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સફાળી જાગેલી સરકારની નજર તાપી નદીના બ્રિજ પર પડી અને તાત્કાલિક સમારકામ શરૂ કરવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યા છે.
બ્રિજનું સમારકામ ચાલી રહ્યું હોવાના કારણે મેઈન રોડ બંધ
જોકે આ બ્રિજના સમારકામ માટે 40થી 45 દિવસનો સમય લાગી શકે એમ હોય અને નેશનલ હાઈવે બંધ કરવો પડે એમ હોવાથી નેશનલ હાઈવે 48ના વૈકલ્પિક માર્ગ તરીકે કીમ ચાર રસ્તા નજીક આવેલા મોટી નરોલી ગામ પાસેથી પસાર થઈ પલસાણાના એના ગામ પાસે ઉતરતો નેશનલ એક્સપ્રેસ વે 4ને પસંદ કરવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરથી આ રસ્તો શરૂ પણ કરી દેવામાં આવ્યો, પરંતુ જ્યારે આ માર્ગને વૈકલ્પિક માર્ગ તરીકે શરૂ કર્યો, ત્યારે મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી કે જ્યાં સુધી નેશનલ હાઈવે 48 ફરીથી કાર્યરત નહીં કરવામાં આવે ત્યાં સુધી આ વૈકલ્પિક માર્ગ પર ટોલ લેવામાં આવશે નહીં, પરંતુ ગત 20 જુલાઈના રોજ જ કેન્દ્ર સરકારનું નોટિફિકેશન આવી ગયું અને ટોલ ઉઘરાવવાનું શરુ કરી દેવામાં આવ્યું. જેને લઈ વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.









