સુરતમાં પોલીસે કુખ્યાત આરોપી ચિરાગ ભરવાડની ધરપકડ કરી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા કડક સંદેશ આપ્યો છે. વરાછા પોલીસે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી લોકોમાં વિશ્વાસ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જમીન સંબંધિત વિવાદમાં સમાધાન ન થતા ચિરાગ ભરવાડે વિરોધી પક્ષ પર હુમલો કર્યો હતો. આ ઘટનાને લઈને પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ દાખલ
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ દાખલ થયેલા છે, જેના કારણે તે પોલીસ માટે લાંબા સમયથી વોન્ટેડ હતો. આરોપીની ધરપકડ બાદ પોલીસે તેને જાહેરમાં ફેરવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા લોકોએ આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે અને પોલીસની કામગીરીને વખાણી છે. પોલીસે જણાવ્યું છે કે આવી કાર્યવાહીથી ગુનેગારોમાં ભય ઉભો થાય છે અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને છે. સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.









