રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સ્કુલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે સુરતમાં સ્કૂલના વિદ્યાર્થી પર લોખંડના સળિયાથી હુમલો કરવાની ઘટના સામે આવી છે. ઉમરામાં વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો છે. ધનજીશા રૂસ્તમજી ઉમરીગર સ્કૂલના વિદ્યાર્થી પર હુમલો કરવાની ઘટના સામે આવી છે, જેમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર સળિયાથી હુમલો કર્યો છે. GS અને ઉપ GS વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડામાં વચ્ચે પડતા વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો છે.
વાલીઓએ પોલીસ ફરિયાદ કરવાની માગ કરી
આ સમગ્ર મામલે જ્યારે વાલીઓને જાણ થઈ તો વાલીઓએ સ્કૂલમાં પહોંચીને ઉગ્ર રજૂઆત કરી છે. સ્કૂલના ઉપ GS સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. વાલીઓએ પોલીસ ફરિયાદ કરવાની પણ માગ કરી છે. ત્યારે ઘટનાને લઈ આચાર્ય વિકાસ પાઠકે નિવેદન આપતા કહ્યું કે જે ઘટના ઘટી તે ખૂબ જ ગંભીર બાબત છે, હુમલાખોર વિદ્યાર્થી પર કડક કાર્યવાહી કરાશે. બીજી તરફ શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયાએ નિવેદન આપતા કહ્યું કે મોબાઈલમાં હિંસક ગેમ આ ઘટનાઓ માટે કારણભૂત છે. બાળકોને પ્રેમ આપવો જરૂરી છે.









