સુરતમાં પોલીસની કામગીરી પર ગંભીર સવાલ ઉભા થયા છે. ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 5 વર્ષ પહેલા ચોરાઈ ગયેલા મોપેડનો ટ્રાફિક પોલીસ હજુ પણ મૂળ માલિકને મેમો આપી રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે 5 વર્ષ પહેલા ચોરાયેલું મોપેડ પોલીસ ન શોધી શકી પણ મેમો ઘરે મોકલ્યો છે. ચોરી થયેલા એક્ટિવાના અલગ અલગ ચાલક સાથેના બે વખત મેમો આવ્યા છે.
5-5 વર્ષથી પોલીસ શું કરી રહી હતી તે મોટો પ્રશ્ન?
ઓનલાઇન મેમોની પોલીસને જાણ કરવા છતાં પોલીસે કોઈ જ કાર્યવાહી કરી નથી. પોલીસની નિષ્ક્રિયતાને કારણે આજે ચોરાયેલું એક્ટિવા પણ માલિકને પરત મળ્યું નથી. ચોરાયેલી મોપેડ શહેરમાં બિંદાસ ફરી રહી છે. કયા વિસ્તારમાં ફરે છે તે તમામ વિગત મળી જવા છતાં પણ પોલીસ પકડતી નથી તે ખુબ જ આશ્ચર્યની વાત છે. શહેરમાં ખોટી રીતે ઘરે આવતા ઈ-ચલણના અનેક કિસ્સાઓની ફરિયાદ છતાં પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે. ગતરોજ પણ પુણા વિસ્તારમાં મોપેડ ઘરે હોવા છતાં વાહન માલિકને મેમો આવતા હતા. જેને લઈને પણ પોલીસની કામગીરી સામે લોકોએ રોષ ઠાલવ્યો છે.









