સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાતા નાના-મોટા રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધા ચલાવતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને અઠવાગેટ ચોપાટી વિસ્તાર પાસે આવેલી અનેક લારીઓ, નાના રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોલ પર તેની અસર વધુ જોવા મળી રહી છે. રેસ્ટોરન્ટ સંચાલકોના જણાવ્યા મુજબ કોમર્શિયલ ગેસ સમયસર ઉપલબ્ધ ન થતાં રોજિંદી રસોઈ બનાવવામાં ભારે અડચણો ઉભી થઈ રહી છે. કેટલાક સંચાલકો દરરોજ 50થી 200 લોકો માટે ખોરાક બનાવે છે, પરંતુ ગેસની અછતને કારણે તેઓ પૂરતું ખાવાનું તૈયાર કરી શકતા નથી.
નાના વેપારીઓ માટે ગેસ જ મુખ્ય આધાર
જેના કારણે ગ્રાહકોને પણ રાહ જોવી પડે છે અને વેપાર પર સીધી અસર પડી રહી છે. ખાસ કરીને નાના રેસ્ટોરન્ટ અને લારી-ગલ્લા ધરાવતા વેપારીઓ માટે આ પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે. મોટી હોટલોમાં વિકલ્પો ઉપલબ્ધ હોય છે, પરંતુ નાના વેપારીઓ માટે ગેસ જ મુખ્ય આધાર હોય છે. ગેસ ન મળવાથી ઘણા સંચાલકોને તાત્કાલિક ધંધો બંધ કરવાની ફરજ પણ પડી રહી છે.
વેપારીઓએ જણાવ્યું છે કે જો આવું જ ચાલતું રહેશે તો રોજગારી અને આવક બંને પર અસર પડશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેસ્ટોરન્ટ સંચાલકોએ સરકાર અને ગેસ સપ્લાય કંપનીઓ પાસે તાત્કાલિક યોગ્ય નિકાલ કરવાની માગ કરી છે. સંચાલકોનું કહેવું છે કે સમયસર કોમર્શિયલ ગેસની સપ્લાય શરૂ થાય તો જ તેઓ ફરીથી નિયમિત રીતે વ્યવસાય ચલાવી શકશે.









