વડોદરા જિલ્લાના સાધલી ગામ સ્થિત ભારત વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ પાસે કચરો સાફ કરાવવાનો મામલો સામે આવતા વાલીઓ અને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. મળતી માહિતી અનુસાર શાળાના મેદાનમાં પડેલો કચરો વિદ્યાર્થીઓ પાસે સાફ કરાવવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા શિક્ષકોની હાજરીમાં કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.
"સૌ ભણે સૌ આગળ વધે" ના સૂત્રનો અમલ શું આ રીતે?
“સૌ ભણે સૌ આગળ વધે” જેવા સૂત્રો વચ્ચે વિદ્યાર્થીઓ પાસે આ પ્રકારનું શ્રમ કાર્ય કરાવાયું હોવાના કારણે પ્રશ્નો ઊભા થયા છે. વાલીઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓનો મુખ્ય હેતુ અભ્યાસ છે અને આવા કાર્યો તેમના અભ્યાસ પર નકારાત્મક અસર કરી શકે છે. વધુમાં સફાઈ કર્મચારીઓનું કામ વિદ્યાર્થીઓ પાસે કેમ કરાવાયું તે મુદ્દે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોએ શાળા પ્રશાસન સામે યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે. આચાર્ય અને સંબંધિત શિક્ષકો સામે પગલા લેવા તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની ખાતરી કરવા તંત્રને રજૂઆત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે મામલે ગંભીર નોંધ લઈને તપાસ શરૂ કરવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.









