ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી હતી, જેને લઈને ખેડૂતો અને એગ્રો સંચાલકો દ્વારા યુરિયા ખાતરની માગ કરવામાં આવી રહી હતી. સરકાર દ્વારા યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવતા ખેડૂતોએ યુરિયા ખાતર મેળવવા માટે હવે લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. કારણ કે યુરિયા ખાતરનો જે જથ્થો આવ્યો છે, તે ખૂબ જ ઓછો છે. જેના સામે ખેડૂતોની માગણી વધુ છે.
પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાનો ખેડૂતોએ સ્વીકાર કર્યો
વલસાડના ધરમપુર ખાતે આજ રોજ મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા યુરિયા ખાતર મેળવવા માટે એગ્રો સેન્ટર ઉપર લાઈન લગાવી હતી. કુલ 1 કિલોમીટર જેટલી લાંબી લાઈનમાં ઉભા રહીને ખેડૂતોએ કુપન મેળવીને ત્યારબાદ ખાતર મેળવવાની કામગીરી હજુ હાથ ધરી હતી, પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાનો ખેડૂતોએ સ્વીકાર કર્યો હતો. સાથે જ એગ્રો સંચાલક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કંપની તરફથી તેમને ઓછો સ્ટોક આપવામાં આવે છે, જેને કારણે ખેડૂતોને પરતો જથ્થો આપવામાં આવી શકાતો નથી અને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ કરાવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.









