મહેસાણા જિલ્લાનું વિજાપુર અને તેનો કાંઠો વિસ્તાર, જે બટાકાના ઉત્પાદન માટે આખા રાજ્યમાં જાણીતું છે. અહીંના બટાકાની ગુણવત્તા એટલી ઉત્તમ હોય છે કે તેની માગ અન્ય રાજ્યોમાં પણ રહે છે. પરંતુ આ વખતે સ્થિતિ વિપરીત છે. ખેડૂતોએ રાત-દિવસ એક કરીને મહેનત તો કરી પણ જ્યારે ફળ મેળવવાનો સમય આવ્યો ત્યારે ભાવે દગો દીધો છે.
ભાવ ઘટાડાએ ખેડૂતોની કમર તોડી
"ખેડૂત એ જગતનો તાત છે અને જો તેને પોતાના પાકનું વળતર ન મળે તો તે આખા અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર વિજાપુરના આ ખેડૂતોનો પોકાર સાંભળે છે કે કેમ અને શું તેમને આ આર્થિક સંકટમાંથી ઉગારવા માટે કોઈ પેકેજ જાહેર કરવામાં આવે છે. ભાવની સરખામણી કરીએ તો ગયા વર્ષે બટાકાનો ભાવ પ્રતિ મણ 350 રૂપિયાને પાર હતો, જે ખેડૂતો માટે લોટરી સમાન હતો. પરંતુ આ વર્ષે સ્થિતિ એ છે કે ભાવ માંડ 100 રૂપિયાની આસપાસ સ્થિર થયો છે. આ સીધો ઘટાડો ખેડૂતોની કમર તોડી રહ્યો છે.
સરકાર પાસે ખેડૂતોએ શું માગ કરી?
ખેડૂતોના મતે એક વીઘામાં બટાકાની ખેતી પાછળ બિયારણ, ખાતર અને મજૂરી ખર્ચ જોતા અંદાજે 20થી 25 હજાર રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે. લાખો રૂપિયાનું રોકાણ કરનાર ખેડૂતો માટે હવે દેવું ચુકવવું પણ મુશ્કેલ બન્યું છે. હવે થાકી હારીને વિજાપુરના ખેડૂતોએ સરકાર પાસે ખેડૂતોને પાકમાં થયેલા નુકસાન બદલ સીધી સબસીડી આપવામાં આવે. સરકાર બટાકાના ભાવ નક્કી કરે અને ટેકાના ભાવે સીધી ખરીદી શરૂ કરે તેવી માગ કરી છે.









