અમરેલીમાં નગરપાલિકાની ચૂંટણી યોજાશે. અમરેલી જિલ્લામાં લાઠી, ચલાલા અને જાફરાબાદ તેમજ રાજુલાની બેઠક પર નગરપાલિકાની ચૂંટણી થશે. જ્યારે ખાલી પડેલ સાવરકુંડલા, અમરેલી, દામનગરની બેઠકો પર નગરપાલિકાની પેટા ચૂંટણી થશે. અમારી ટીમ દ્વારા નગરપાલિકાની ચૂંટણીને લઈને લાઠીની બેઠક પર મતદારોનો મિજાજ જાણવા પ્રયાસ કરાયો.
સ્થાનિકોને સમસ્યાનો ઉકેલ આવશે તેવી આશા
અમરેલી જિલ્લાનું લાઠી શહેર કે જ્યાં નગરપાલિકાની ચૂંટણી યોજવાની છે. નગરપાલિકા લાઠીમાં 16000 ઉપરાંત મતદારો છે, છ વોર્ડની કુલ 24 સીટ છે.ગત વર્ષની વાત કરીએ તો 21 સીટ ભાજપને ફાળે હતી અને ચાર કોંગ્રેસને ફાળે હતી. નગરપાલિકા ક્ષેત્રમાં મોટાભાગના વિકાસના કામો થયા હોવાનું નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું છે સૌથી મોટો અને માથાના દુખાવા સમાન પ્રશ્ન જો કોઈ હોય તો ગટરનો પ્રશ્ન છે ત્યારે આગામી નવી બોડી આ પ્રશ્ન ઉકેલ છે તેવી પ્રવૃત્તિ નાગરિકો દ્વારા વિશ્વાસ અને વાત વ્યક્ત કરવામાં આવી હતી.
ગટરની સમસ્યાના કારણે લાંબા સમયથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાને લઈને અનેક વખત સ્થાનિક નેતાઓ સહિત તંત્રને પણ રજૂઆત કરી હતી. પરંતુ યોગ્ય વહીવટના અભાવે આ સમસ્યાનો ઉકેલ આવી શકયો નથી. આ વિસ્તારના લોકો ગટર ઉપરાંત માર્ગ અને પાણી જેવી સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે. લોકોને આશા છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આ સમસ્યાનો ઉકેલ આવશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇ આજે ભાજપની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ભાજપ સ્થાનિક સ્વરાજને લઈને પોતાના મુરતિયા જાહેર કરી શકે છે. રાજ્યમાં એક મનપા, 66 નગરપાલિકાઓની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી છે. તેમજ ઉમેદવારના મૃત્યુ તેમજ કોઈ કારણસર પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી યોજાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. મતદાનનો સમય સવારે 7 કલાકથી સાંજે છ કલાક સુધીનો રહેશે. આ ચૂંટણીમાં 4390 મતદાન મથકો પર કુલ 2178 બેઠકો પર ચૂંટણી યોજાશે.આ ચૂંટણીમાં કુલ 38,86,285 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.









