ગોધરામાં ચોમાસાના પ્રારંભે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગોધરા શહેરમાં ચોમાસાના પ્રારંભે જ રોડ રસ્તાઓ પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. શહેરના SP રોડ, શહેરા ભાગોળ, બસ સ્ટેન્ડના પ્રવેશ દ્વાર અને અંકલેશ્વર મહાદેવ સહિતના માર્ગોની હાલત બદથી બત્તર બની છે. આ સમસ્યાથી ત્રાહિમામ નગરજનો ખાડા રાજમાંથી મુક્તિ મળે તેવી માગ કરી છે.
ગોધરા શહેરની હાલત ચોમાસાના પ્રથમ વરસાદે ખાડા રાજ જેવી બની છે. ગોધરાના શહેરા ભાગોળ ,એસપી રોડ ,અંકલેશ્વર મહાદેવ રોડ સહિતના અનેક માર્ગો ઉપર હાલ મસમોટા ખાડારાજનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે. આ સાથે કેટલાક સ્થળે ભૂગર્ભ ગટર ઉભરાવાના કારણે દૂષિત પાણી પણ માર્ગો ઉપર અને ખાડામાં એકત્રિત થયેલું જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિને લઈ અહીંથી પસાર થતાં રાહદારીઓને ચર્મ રોગ થવાની સંભાવનાઓ સતત સતાવી રહી છે.
બીજી તરફ્ ગોધરા શહેરમાં વરસી રહેલા ઝરમર વરસાદ દરમિયાન વરસાદી પાણી પણ માર્ગો અને ખાડામાં ભરાયેલું રહેવાથી વાહન ચાલકો અને રાહદારીઓ પણ અંદર પટકાઈ ઇજાગ્રસ્ત થતા હોવાની ઘટનાઓ સતત બનતી જોવા મળી રહી છે. શહેરીજનોમાં નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સૂન કામગીરી દરમિયાન ખાડાનું યોગ્ય સમારકામ કરી માર્ગો ઉપર ખાડા ના પડે એ માટે કાયમી ધોરણે કામગીરી કરવામાં આવે એવી માગણી સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે.
જોકે પાલિકા તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી કર્યા પછી થોડા દિવસો બાદ સ્થિતિ યથાવત જોવા મળતી હોય છે જેથી શહેરીજનો ભારે આક્રોશ કરતા જોવા મળી રહ્યા છે.









