18મી લોકસભાના સંસદ સત્રનો ચોથો દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંસદ સદનમાં સંબોધન કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ દર વર્ષે સંસદના પ્રથમ સત્રમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને પણ સંબોધિત કરે છે. રાષ્ટ્રપતિના સંબોધન દ્વારા સરકાર તેના કાર્યક્રમો અને નીતિઓની રૂપરેખા આપે છે. બંધારણના અનુચ્છેદ 87 મુજબ, રાષ્ટ્રપતિએ દરેક લોકસભા ચૂંટણી પછી સત્રની શરૂઆતમાં સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરવું જરૂરી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંસદના બંને ગૃહોને સંબોધન કરતા જણાવ્યું કે, ઓમ બિરલાને લોકસભાના અધ્યક્ષપદ માટે શુભકામના પાઠવુ છું. આ ચૂંટણી વિશ્વનો સૌથી મોટી ચૂંટણી હતી. ભારતે ત્રીજીવાર સ્થિર સરકાર બનાવી છે. સુધારા, પ્રદર્શન અને પરિવર્તનના સંકલ્પે આજે ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનાવી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, છ દાયકા બાદ દેશમાં પૂર્ણ બહુમતવાળી સ્થિર સરકાર બની છે. લોકોએ આ સરકારમાં ત્રીજી વખત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લોકો જાણે છે કે માત્ર આ સરકાર જ તેમની આકાંક્ષાઓ પૂરી કરી શકે છે. 18મી લોકસભા ઘણી રીતે ઐતિહાસિક લોકસભા છે.









