ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસાયા હોય તેમ ચોમાસું મધ્યાંતર પર હોવા છતાં પણ સામાન્યથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. અને આકાશ તરફ મીટ માંડી રહ્યા છે. હવે જો વધારે સમય વરસાદ ખેંચાઈ જશે તો ખેતરોમાં વાવણી કરેલો પાક નિષ્ફળ જવાની દહેશત છે.
પાટણ જિલ્લામાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે
પાટણ જિલ્લાની વાત કરવામાં આવે તો અહીંયા 210 મીમી વરસાદની જરૂરિયાત સામે અત્યાર સુધી માત્ર 158 મીમી જ વરસાદ નોંધાયો છે. જેને લઈને પાટણ જિલ્લામાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે. સાથે જ વરસાદની ઘટ હોવાના કારણે ખેડૂત વર્ગ પણ ક્યાંક મુશ્કેલીમાં મુકાયો હોય તેવું જોવા મળી રહ્યું છે. જેથી ખેડૂતો વરસાદની રાહ જોઈને બેસી રહ્યા છે.
પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ
રાઘનપુર તાલુકામાં 24 હજાર હેકટર જમીનમાં ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું છે. જેમાં મુખ્યત્વે કપાસ, બાજરી, એરંડા, કઠોળ તેમજ પશુઓ માટેના ઘાસચારાનું વાવેતર કર્યા બાદ મેઘરાજા હાથ તાળી આપતાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે તો ક્યાંક મેઘરાજા કહેર વરસાવી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.









