મોરબીમાં મનપા કચેરીએ પંચવટી સોસાયટીના લોકોએ રામધૂન બોલાવી છે. પાણીની સમસ્યા ઉકેલવાની માગ સાથે સ્થાનિક લોકોએ મનપા કચેરી ખાતે ધામા નાખ્યા અને રામધૂન બોલાવીને વિરોધ વ્યક્ત કર્યો છે. એક બાજુ ચેતન ભિલાના આમરણાંત ઉપવાસ કર્યા છે તો બીજી બાજુ મનપા કચેરીએ ઉગ્ર રજુઆત કરવામાં આવી છે અને સમસ્યાનો ઉકેલ ના આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
હળવદના ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવશે
બીજી તરફ હળવદ તાલુકામાંથી 765 કેવી હેવી વીજ લાઈન લાકડીયાથી અમદાવાદના ખેડૂતોની કિમતી જમીનમાંથી પસાર થાય છે, જેને લઈને વારંવાર ખેડૂતો અને કંપની વચ્ચે ઘર્ષણ થવાના બનાવો બને છે. ખેડૂતો દ્વારા વીજ પોલના યોગ્ય ભાવ તેમજ વીજ તારના યોગ્ય ભાવને લઈને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ જવાબદાર તંત્ર કે પાવર ગ્રીડ કંપની દ્વારા કોઈપણ જાતનું લેખિતમાં બાંહેધરી આપવામાં આવતી નથી.
ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માગણી
હળવદ તાલુકાના નવાઅમરાપર, ચાડધ્રા, ઘનશ્યામગઢ, ધુળકોટ, મયુરનગર, ઈસનપુર, વેગડવાવ, મંગળપુર અને માળીયા તેમજ ધાંગધ્રા તાલુકાના અનેક ગામડાઓમાંથી વીજપોલ પસાર થાય છે. ત્યારે વીજપોલના ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માગણી સાથે ખેડૂતો દ્વારા આજે હળવદ તાલુકાના વેગડવાવ ગામે મહામંથન યોજાયું હતું, જેમાં આગામી સમયમાં જો યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો હળવદ શહેરમાંથી ટ્રેક્ટર રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવશે તેવી રણનીતિ નક્કી કરી હતી.









