રાજકોટમાં TRP અગ્નિકાંડ બાદ સૌરાષ્ટ્રમાં યોજાતા સુપ્રસિદ્ધ જન્માષ્ટમીના લોકમેળાનું સ્થળ બદલાઈ શકે છે. જન્માષ્ટમીના લોકમેળાનું સ્થળ બદલવા માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચાઓ થઈ રહી છે. શહેરના રેસકોર્સ મેદાનમાં પહેલા મેળાનું આયોજન કરવામાં આવતું હતું. ત્યારે હવે લોકમેળાને લઈને અટક સરોવર નજીક 90 હજાર સ્કવેર મીટર જમીન સપાટ કરવા દરખાસ્ત કરવામાં આવી છે.
મેળામાં 15,000 જેટલા લોકોનું માનવ મહેરામણ ઉમટશે
જિલ્લા કલેક્ટર વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના આ ખુબ જ જાણીતા જન્માષ્ટમીના લોકમેળામાં દર વર્ષે 15,000 જેટલા લોકોનું માનવ મહેરામણ ઉમટી પડે છે. હાલમાં રેસકોર્સનું મેદાન ટ્રાફિક અને લાખો લોકોની હાજરીથી નાનું પડી રહ્યું છે. લોકમેળામાં ઉમટતી જનમેદનીના કારણે લોકમેળાનું સ્થળ બદલવાનો નિર્ણય પર વિચાર કરવામાં આવી રહ્યો છે. લોકોની સુરક્ષા અને હાલમાં બનતી આગની ઘટનાઓને લઈને સુરક્ષા અને યોગ્ય વ્યવસ્થાપનના ભાગરૂપે જન્માષ્ટમીના મેળો આગામી સમયમાં અન્ય સ્થાન પર યોજાઈ શકે છે. TRP ગેમઝોન દુર્ઘટના બાદ રાજકોટ સહિત રાજ્યભરમાં અનેક પ્રકારની સાવચેતી રાખ્યા બાદ જ મોટા આયોજનની પરમિશન આપવામાં આવતી હોય છે.









