ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી પોતાના વતન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીના ભવ્ય સ્વાગત માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. આગામી 26મી તારીખે સાંજે 6.30 વાગ્યે રોડ શો યોજાશે. એરપોર્ટ સરદાર પટેલ સ્ટેચ્યુથી ઈન્દિરા સર્કલ સુધી રોડ શો યોજાશે. રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને લોકો હાજર રહેશે.
રાફેલ, મિગ, બ્રહ્મોસના ટેબ્લો રાખવામાં આવશે
ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીના રોડ શોમાં 50,000થી વધુ લોકો સ્વાગત માટે ઉમટશે. આ સિવાય અલગ અલગ થીમ પર ટેબ્લો રાખવામાં આવશે. રાફેલ, મિગ, બ્રહ્મોસના ટેબ્લો રખાશે અને તમામ દિશા તિરંગાથી સજાવવામાં આવશે અને વડાપ્રધાન મોદીનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે. હાલમાં તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને અલગ અલગ સમુદાયના લોકો રોડ શો માટે ભાજપનો સંપર્ક કરી રહ્યા છે.









