ગુજરાતમાં મહા નગરપાલિકા સહિત નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. રાજ્ય આયોગ ચૂંટણીની જાહેરાત મુજબ મહીસાગરના લુણાવાડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશિંગ ફૂંકાઈ ગયું છે. લુણાવડામાં પાલિકાની ચૂંટણીને લઈને રાજકીયપક્ષોમાં હલચલ મચી છે.
લુણાવાડાને મહીસાગર જિલ્લાનું વહીવટી મથક માનવામાં આવે છે. લુણાવાડા નગરપાલિકા માં કુલ 7 વોર્ડ આવેલા છે. જેમાં 28 સીટ પર અલગ અલગ વિસ્તારમાં ઉમેદવારો ઉમેદવારી કરશે. લુણાવાડા નગરપાલિકા આમ તો કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે પરંતુ અપક્ષ ઉમેદવારો અને કોંગ્રેસના કેટલા જીતેલા ઉમેદવાર ભાજપમાં જતા છેલ્લા 2 ટર્મ માં ભાજપ અને કોંગ્રેસ બને પાર્ટીએ આ નગરપાલિકા માં શાસન કર્યું છે.
સ્થાનિક સમસ્યા
મહીસાગર જીલ્લામાં હાલ લુણાવાડા સંતરામપુર અને બાલાસિનોરમાં નગરપાલિકાની ચૂંટણી યોજાશે. સ્થાનિક સ્વરાજ ચૂંટણી જાહેર થતા જ ભાજપ અને કોંગ્રેસ બને પક્ષો દ્વારા હાલ નગરપાલિકામાં સતા મેળવા માટે કાવા દાવા શરૂ કરી દેવામાં આવ્યા છે.લુણાવાડા નગરપાલિકામાં પાણી ગટર અને રખડતા ઢોરના ત્રાસ યથાવત છે જીલ્લાનું મુખ્ય મથક હોવાના કારણે ટ્રાફિક સમસ્યા પણ એટલી જ છે. લુણાવાડામાં પાણીના અભાવે ખેડૂતો ખેતીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમજ ઢોરના ત્રાસના કારણે સ્થાનિકોને ગંભીર ઇજાનો સામનો કરવો પડી રહ્યો છે. ચૂંટણી લડતા ઉમેદવારો સ્થાનિક સમસ્યા દૂર કરવાના વચન આપી રહ્યા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી તમામ સ્થાનો પર એક જ દિવસે યોજાશે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર એસ મુરલીકૃષ્ણને 66 નગરપાલિકાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી. જો કે ખેડા, બનાસકાંઠા અને ધાનેરામાં વિવાદને લઈને ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે તેમજ 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાનાર છે. 27 જાન્યુઆરીએ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્રક ભરવીની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે.
જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તા 27/01/2025
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા 01/02/2025
ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ તા 03/02/2025
ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ 04/02/2025
મતદાનની તારીખ તા.16/02/2025 (રવિવાર)
મતદાનનો સમય સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી
પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025
મતગણતરીની તારીખ તા.18/02/2025
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025
લુણાવાડાનો ઇતિહાસ
લુણાવાડા 15 ઓગસ્ટ 2013 સુધી પંચમહાલ જિલ્લામાં ઔપચારિક રીતે તાલુકો, વહીવટી પેટાવિભાગ હતો. એવું કહેવાય છે કે લુણાવાડામાં પહેલા સોલંકીઓનું શાસન હતું. 2000 વર્ષ પૂર્વે લુણાવાડામાં ચૌલુક્ય વંશના શાસકો રાજ કરતાં હતા. વીરપુરના રાણા ભીમ સિંહ દ્વારા 1434માં લુણાવાડા શહેરની સ્થાપના થઈ. આ વિસ્તારમાં આજે પણ સોલંકી સમાજનું વર્ચસ્વ છે. આજે જ્યારે ગુજરાતમાં મોટાભાગના સ્થાનો પર ભાજપનું વર્ચસ્વ છે ત્યારે લુણાવડાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.









