સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. સમગ્ર રાજ્યની સાથે-સાથે પોરબંદરનો ધેડ પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે. કુતિયાણામાં સતત વરસી રહેલા વરસાદના કારણે ઘેડ પંથકમાં જળબંબાકારની પરસ્થિતિ છે. જ્યાં જુઓ ત્યા પાણી-પાણી જ છે. ત્યારે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે.
ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા સેગરસ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ત્યારે સેગરસથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. ઘેડ પંથકમાં રોડ-રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. ઘેડ પંથકમાં સતત વરસી રહેલા વરસાદના કારણે કુતિયાણાથી ઘેડ વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. આ રોડ અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે. તેમજ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઘેડ પંથકનો મુખ્ય માર્ગમાં પાણી ભરાતા 22 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. હાલ સેગરસ ગામ સંપર્ક વિહોણું બનતા ગામના લોકો સુધી પહોંચવા માટે કોઈ રસ્તો નથી. ઉપરવાસમાં નદીઓમાં પાણીમાં આવક થતા ઘેડ પંથકના ખેતરોમાં પાણી ભરાતા નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા છે. પોરબંદરનો ઘેડ પંથકનો રકાબી જોવા આકાર હોવાથી દર વર્ષે આવી જ સ્થિત સર્જાય છે. જેના કારણે ગામો બે-ત્રણ દિવસ સુધી સંપર્ક વિહોણા રહે છે. પંથકમાં પાણી ઓસર્યા બાદ જ ગામ સાથે સંપર્ક થાય છે.









