રાજકોટમાં ઓગસ્ટ મહિનામાં તહેવારોમાં યોજાતા લોકમેળાના સ્થળ માટે વિવાદ સર્જાયો હતો. આખરે શહેરના રેસકોર્સ મેદાનમાં 14થી 18 ઓગસ્ટ દરમિયાન લોકમેળો યોજવાની જાહેરાત કરાઈ છે. આ પહેલા લોકમેળાનું સ્થળ બદલીને અટલ સરોવર ખાતે રાખવા માગ કરાઈ હતી. બીજી તરફ રેસકોર્સ અને શાસ્ત્રી મેદાનમાં લોકમેળો યોજવા માગ કરાઈ હતી. જેથી વિવાદ વકર્યો હતો. અંતે વહિવટી તંત્ર દ્વારા લોકમેળાનું સ્થળ રેસકોર્સ રાખવા જાહેરાત કરાઈ હતી.
14થી 18 તારીખ સુધી લોકમેળાનું આયોજન કરાશે
રાજકોટમાં લોકમેળા સમિતી દ્વારા ઓગસ્ટમાં 14થી 18 તારીખ સુધી લોકમેળાનું આયોજન કરાશે. જેમાં સ્ટોલ રાખનાર અરજદારો 13 જૂન સુધીમાં 200 રૂપિયા ચૂકવીને અરજીપત્રક મેળવી શકશે. આ અરજી ફોર્મ ભરી તેમાં દર્શાવેલ રકમના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે રજૂ કરી શકશે. અરજી નિયત ફોર્મમાં જ આપવાની રહેશે તેમજ જુદી જુદી કેટેગરીની કિંમતની પૂરેપૂરી રકમ, ટેક્સની સૂચિત રકમ તથા ડીપોઝિટની પૂરેપૂરી રકમ મળીને "અધ્યક્ષ, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટના નામનો કુલ રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે રાખીને ભરેલ ફોર્મ આપવાનું રહેશે.









