રાજકોટના પીપળીયામાં નકલી સ્કૂલ મુદ્દે ખુલાસો થયો છે. જેમાં 2 સગીરાઓ શિક્ષિકા તરીકે બજાવતી ફરજ હતી. શિક્ષણ વિભાગની તપાસમાં બોગસ શાળા ખાતે બે સગીર વયની બાળાઓ શિક્ષિકા બની હતી જેમને કાત્યાયની તિવારી દ્વારા પ્રતિ માસ 3000 રૂપિયાના પગાર પર રાખવામાં આવી હતી. એક સગીર વયની બાળા ધોરણ 8 પાસ હતી તો અન્ય સગીર ધોરણ 10માં બે વિષયમાં નાપાસ હતી.
બન્ને સગીરવયની બાળાઓ દ્વારા બોગસ સ્કૂલ ખાતે વિધાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હતો. બોગસ શાળા ખાતે અભ્યાસ કરનારા વિધાર્થીઓના નામ રાજકોટની ત્રણ જેટલી ખાનગી શાળાઓમાં રજીસ્ટર કરવામાં આવ્યા હતા. આવતીકાલે મોટાભાગના બાળકોને પીપળીયા પ્રાથમિક સરકારી શાળામાં એડમિશન અપાવવામાં આવશે. નવીનનગર વિસ્તારમાં 4 દુકાનોમાં સ્કૂલ ચાલતી હતી. કોઇપણ પ્રકારની શૈક્ષણિક માન્યતા વગર સ્કૂલ ચલાવતા તિવારી દંપતીને કુવાડવા પોલીસ મથકે લઇ જવાયું હતું.
રાજકોટ શહેરની નજીક આવેલા માલીયાસણ પાસે આવેલા પીપળીયા ગામે કોઇપણ પ્રકારની શૈક્ષણિક માન્યતા વગર લાંબા સમયથી ગૌરી ઇંગ્લીશ સ્કૂલ ચાર દુકાનોમાં ચલાવવામાં આવતી હોવાની વિગતોનાં આધારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની ટીમે સ્થળ ઉપર તપાસ કરી વિગતો મેળવતા વાલીઓ પાસેથી ફી ઉઘરાવી અહીં નકલી શાળા ચલાવવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો હતો.









