સુરત શહેરના અઠવા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નિકાહના નામે અમદાવાદ ખાતે રહેતા એક દિવ્યાંગ યુવક સાથે ષડયંત્ર રચવામાં આવ્યું હતું. 5 મહિલાની ગેંગે નિકાહનું નાટક રચીને યુવક પાસેથી એક લાખ રૂપિયા પડાવ્યા હતા. બાદમાં નિકાહની રાત્રે જ દુલ્હન તેના પરિવાર સાથે ભાગી ગઈ હતી. આ સમગ્ર મામલે યુવકે અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ મહિલા ગેંગની ધરપકડ કરી છે, તેઓની તપાસમાં ઘણા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.
સના નામની 18 વર્ષીય યુવતીને દુલ્હન તરીકે ઉભી કરવામાં આવી
પીડિત યુવાન પોતાની પત્નીનો પરિવાર સમજી રહ્યો હતો, તે માત્ર લૂંટ માટે પાંચ યુવતી દ્વારા બનાવામાં આવેલી એક ગેંગ હતી. આ ગેંગમાં ખૂદ દુલ્હન જ પરિણીત છે. ઘટનાની શરૂઆત ત્યારે થઈ, જ્યારે લૂંટેરી ગેંગની સભ્ય અને એજન્ટ હીના (નરગીશબાનુ)ના સંપર્કમાં અમદાવાદનો દિવ્યાંગ યુવક આવ્યો અને નિકાહ માટે સુરતની સના નામની એક યુવતીને પસંદ કરી. બાદમાં એજન્ટ હીના દ્વારા યુવકને જણાવવામાં આવ્યું હતું કે દુલ્હનને પિતા નથી. માતા અને બે બહેનો જ છે. આ ષડયંત્રમાં યુવતીની માતા બની ઝરીના ખાતુન, બહેન તરીકે મુસ્કાન અને શાહિસ્તા, એજન્ટ તરીકે હીના (નરગીશબાનુ) હાજર રહી હતી. સના નામની 18 વર્ષીય યુવતીને દુલ્હન તરીકે ઉભી કરવામાં આવી હતી, જ્યારે વાસ્તવમાં સનાના માતા-પિતાને આ નિકાહ વિશે કોઈ જાણ પણ નહોતી.









